પ્રાસ્તાવિક - વિશ્વમાં સનાતન વૈદિક સંસ્કૃતિની સર્વોપરિતાને શનૈઃશનૈઃ સર્વમાન્યતા મળતી જાય છેં. વિજ્ઞાનનાં કેટલાય ગૂઢ રહસ્યો આજે ભૌતિક જગતમાં પ્રયોગાત્મક સિદ્ધ થતાં જાય છે. આપણી સનાતન પરંપરાઓનું અનુસરણ, અનુશીલન અને સંશોધન વિશ્વસ્તરે વ્યાપક બનતું જાય છે, ત્યારે આ દિશામાં આપણી જીજ્ઞસા સતેજ થવી જ જોઈએ. જોકે વિશ્વની ઘણી બધી સંસ્કૃતિઓમાં આપણાં જેવા જ સંસ્કારો એક યા બીજી રીતે થાય છે, જે આપણે આ લેખના ઉપસંહારમાં જોઈશુ.
સનાતન વૈદિક પરંપરામાં આવાં સોળ સંસ્કાર બતાવ્યા છે. અને તે સંસ્કારોનું જતન આજ પર્યન્ત થતું આવ્યું છે. જેવાં કે મુંડન, યજ્ઞોપવિત, વિવાહ, સિમંત, અંત્યેષ્ટી વગેરે વગેરે અને આની પાછળ લખલૂટ ખર્ચ પણ કરીએ છીએ. આ લેખ દ્વારા આવાં સંસ્કારોને સમજવાનો પ્રયાસ કરીએ. શાસ્ત્રો પણ કહે છે स्वामिनः फलश्रुतेः (अत्रि) કોઈપણ કાર્ય અર્થાનુસંધાનથી એટલે કે સમજીને કરવામાં આવે તો તેનું ફળ વિશેષ મળે છે. પોલીશ કે ટપાલી આખા ગામમાં ફરે છતાં ય જે પદ્ધતિસરનું અને સમજદારીપૂર્વકનું જોગીંગ કરે તેનું ફળ વિશેષ હોય છે. રામનામ ની અસર જરૂર છે પણ એક સામાન્ય માણસનાં રામ રામ બોલવામાં અને એક ઉપાસક કે તપસ્વીનાં રામ રામ બોલવાંમાં ઘણો ફરક પડે છે.
સંસ્કાર અને સુધારો - કોઈપણ કાળે અને કોઈ પણ દેશ-પ્રદેશમાં સુધારો અને સંસ્કાર આવકાર્ય જ હોય છે. પરંતુ આ બન્નેનું સંતુલન જળવાવું અતિ મહત્વનું છે. બજારમાંથી અનાજ લાવી તેને સાફ કરવું-વીણવું-ધોવું કે સુકવી તેલયુક્ત કરી કે પારાની ગોળીસાથે કોઠીમાં ભરવું અને તેમાંથી શુદ્ધતાથી રસોઈ બનાવવી તે અનાજનાં સંસ્કાર અને આજ અનાજમાંથી અલગ અલગ વાનગીઓ બનાવવી તેને રોચકરીતે પીરસવી તે સુધારો. બજારમાથી લાવેલી કાકડી ટમાટર ને ધોઈ સાફ કરી સમારવા તે સંસ્કાર અને તેને પ્લેટમાં સુંદરરીતે ગોઠવવા કે સજાવવા તે સુધારો. સંસ્કાર અને સુધારો બન્ને આવકાર્ય છે અને એકમેકના પૂરક પણ છે. બજારમાંથી લાવેલ ફળોને ધોયા કે સાફ કર્યા વીના જ સુંદરરીતે સમારી ને સજાવવાથી, તેના પર રહી ગયેલાં જંતુનાશક દવા કે માટી-કચરો સ્વાસ્થ્યને હાનીપ્રદ બની જાય, તેવી જ રીતે સાફ કર્યા પછી પણ, જેમ તેમ સમારી પ્લેટમાં ઢગલો કર્યો હોત તો પણ અરૂચીકર બની રહે. આમ બન્ને જરૂરી છે. પરંતુ સંસ્કારના ભોગે સુધારો તો ક્યારેય લાભપ્રદ ન હોઈ શકે. બન્નેનો વિવેકયુક્ત સમન્વય જ હિતકારી હોય છે.
સંસ્કારનું મહત્વ – સંસ્કાર વારંવાર અથવા સમયાન્તરે ભિન્નભિન્ન પ્રકારે કરવા પડે છે. એક વખત સાફ કરી અનાજ ભર્યા પછી પણ સમયાંતરે તેને ચાળવું ઝાટકવું અથવા તો રસોઈ બનાવતાં પહેવાં વીણવું કે ધોવું જોઈએ નહીં તો અંદર જો જીવ-જંતુ પડી ગયા હોય તો આહાર શુદ્ધિ જળવાતી નથી. દર દિવાળી કે તહેવારોમાં ઘરની સફાઈ કરવી પડે છે, જેથી તેનાં પર જામેલો કરચો નીકળી જાય વસ્તુ મૂળરૂપે દેખાય. આમ જન્મથી લઈ આજીવન સોળ પ્રકારનાં સંસ્કાર આપણે ત્યા વિકાસ પામ્યા છે.
અનેક જન્માન્તરોનાં સંસ્કારોને-વિચારોને લઈ માનવ જન્મ પ્રાપ્ત થાય છે, જેમાં પૂર્વની સારી નરસી ટેવોની અસર જોવાં મળે છે. અનેક જન્માન્તરોમાં માતાનું પયપાન કર્યુ છે, તેથી તે પ્રથમ દિવસથી જ આવડી જાય છે. એક જ પરિવારનાં બે ભાઈએનો સમાન ઉછેર થવા છતાં, તેમના જીવનમાં ઘણીવાર મોટું અંતર હોય છે. સારા સંસ્કાર છે તેને ઉજાગર કરવા અને જે કુટેવો સ્વભાવગત આવી હોય, તેને દૂર કરવાથી જ જીવન વિકાસશીલ બની શકે. तमसोमा ज्योतिर्गमय ની યથાર્થતા પ્રાપ્ત થાય.
આ જન્મમાંજ ઉત્તમ જ્ઞાન-વિજ્ઞાનની ક્ષિતજોને પ્રાપ્ત કરીએ તે મહત્વનું છે. અને આ સત્યને આત્મસાત કરી સનાતન વૈદિક પરંપરામાં (ગર્ભાધાનાદિ) સોળ પ્રકારનાં સંસ્કાર મૂકવામાં આવ્યા છે. સામાન્યરીતે બાળકનાં જન્મમાં બે પ્રકારનાં દોષ રહી જાય છે જે તેનાં સર્વાંગી વિકાસમાં અવરોધક બનતા હોય છે. (૧) બૈજિક દોષ (૨) ગાર્ભિક દોષ.
(૧) બૈજિક દોષ – માતાનું રજ એને પિતાનું વીર્ય એ બાળકનું બીજ છે. અનુચિત કાળમાં – સમયમાં કે પરિસ્થિતિમાં આધાન થવાથી તે દોષો નવજાતનાં સહજ બની જાય છે અને તેથી જ ઘણી વખત તો શારિરીક ઊણપ કે બૌદ્ધિક વિકાસમાં પણ મર્યાદા બની જાય છે તો કેટલીક વખત ગર્ભમાં બાળકનો પર્યાપ્ત વિકાસ પણ નથી થતો.
(૨) ગાર્ભિક દોષ – ગર્ભાધાન પછી માતાએ આહાર વિહારમાં ઘણો વિવેક રાખવો જોઈએ નહીં તો, તેની અસર ગર્ભસ્થ શીશુ ઉપર પડે છે. સાત્વિક આહાર-વિહાર અને ધાર્મિક વાંચન શ્રવણની અસર બાળક ઉપર પડ્યા વગર નથી રહેતી. માતાએ સાંભળેલી ચક્રવ્યૂહની વાત અભિમન્યુને ગર્ભમાંથી જ જાણવા મળી ગયેલી. અને પિતાની પાઠશાળામાં થતાં શાસ્ત્રાર્થ અને વેદાધ્યયનની અસર અષ્ટાવક્ર ઉપર જન્મપૂર્વેથી જ પડેલી, તો દિતિનાં વાસનાયુક્ત વ્યવહારથી ગર્ભસ્થમાં આસુરી સંસ્કાર આવ્યા તે સર્વવિદિત છે. આવી કથાઓ ઈસ્લામ અને બાઈબલમાં પણ છે.
આવાં દોષોનાં ઉન્મૂલન માટે તાર્કિક અને વૈજ્ઞાનિક ધોરણે જે પ્રક્રિયાઓ સનાતન સભ્યતામાં સ્વીકારી તેને આપણે સંસ્કાર કહીએ છીએ. જાતકના જન્મ પૂર્વ અને પશ્ચાત આવાં સંસ્કાર કરવામાં આવે છે. દા.ત. ગર્ભાધાન, સીમંતાદિ જન્મ પૂર્વના સંસ્કાર અને મૂંડન, યજ્ઞોપવિતાદિ જન્મ પછીનો સંસ્કાર. આવો જ એક મહત્વનો સંસ્કાર એ યજ્ઞોપવિત સંસ્કાર.
યજ્ઞોપવિત સંસ્કારનો ઉદ્ગમ આ સંસ્કાર અતિ પ્રાચીન કાળથી અસ્તિત્વમાં આવેલ છે. સૃષ્ટિનાં પ્રારંભકાળ એટલે કે આ સંસ્કારને અતિપ્રાચીન ઋગ્વેદ કાલીન ગણી શકાય. ઋગ્વેદનાં દશમાં મંડળમાં તેનું પ્રમાણ મળે છે. देवा एतस्यमवदन्त पूर्वे सप्त ऋर्षयस्तपसे ये निवेदुः । भीमा जाया ब्राह्मणस्योपनीता दुर्धा दधाति परमे व्योमन् ।। ऋग्वेद १०-१०९-४ ।। અતઃ અતિપ્રાચીન કાળમાં સપ્તર્ષિગણે યજ્ઞોપવિતમાં બ્રાહ્મણની મહાન શક્તિનાં દર્શન કર્યા છે. આમ બ્રાહ્મણ ગ્રંથોમાં અને ઉપનિષદોમાં તેનું મહત્વ સિદ્ધ થયેલું છે. તેનાં ઉદ્ગમ વિષે પણ એક ઉક્તિ છે. ब्राह्मणोत्पादितं सूत्रं विष्णुना त्रिगुणीकृतम् । कृतो ग्रन्थिस्त्रिनेत्रेण गायत्र्या चाभिमंत्रितम् ।। साम. छान्दोग्य सूत्र परिशिष्ट रहस्य विवेचना. આમ આ સંસ્કારનો ઉદ્ગમ કે ઉત્પત્તિ અતિ પ્રાચીન છે. જેની રચના સ્વયં પરમાત્માએ કરી હોય અને મહત્વ સપ્તર્ષિઓએ ગાયું હોય. જેની ઉત્પતિ પ્રજાઓનાં સર્જક प्रजापतेर्यत्सहजं પ્રજાપતિની સાથે થઈ હોય તેનો વિશેષ વિચાર કરવો રહ્યો.
યજ્ઞોપવિત સંસ્કારનો ઉદ્દેશ્ય – લક્ષ્ય - આ સંસ્કારનો ઉદ્દેશ્ય સમજીએ. આમ તો જનોઈનાં જોટાની કિંમત માંડ બે રૂપિયા થતી હશે, જયારે તે બે રૂપિયાનો દોરો પહેરવાં પાછળ પાંચ હજારથી પચ્ચિસ હજારનો ખર્ચ થાય છે. એક તો બ્રાહ્મણ ભાગ્યે જ પૈસાવાળો હોય અને તેમાંય આઠ વર્ષની ઉંમરે જનોઈ તો દેવી જ પડે. ગરીબ બ્રાહ્મણ પણ જનોઈ પાછળ આજની મોંઘવારીમાં ઓછામાં ઓછા પાંચ હજારનો તો ખર્ચ કરે જ છે. આજની આવી આર્થિક વિકટ સ્થિતિને લક્ષ્યમાં લઈ સમૂહ યજ્ઞોપવિતનો પરિર્તનનીય વિચાર પ્રચલિત થયો, છતાંય તેમાં પણ બધું મળી, પ્રતિ બટુક ઓછામાં ઓછાં, આઠ-દશ હજારથી ઓછો ખર્ચતો સંભવ જ નથી. હવે પ્રશ્ન એ થાય કે બે રૂપિયાનો દોરો પહેરવાં દશ હજારનો ખર્ચ કેમ કરવાનો ? આનો જવાબ તેનાં ઉદ્દેશ્ય અને મહત્વ જાણવાથી જ પ્રાપ્ત કરી શકાશે, જે બહુધા અપ્રકાશિત છે.
બહુજન સમાજને ક્વચિત યજ્ઞોપવિતની ઉપયોગિતા કે ઉદ્દેશ્ય જ્ઞાત નહીં હોય. તેમને મન યજ્ઞોપવિત રાખવાનાં ત્રણ કારણ હોઈ શકે. (૧) બરડામાં ખૂજલી કરવા (૨) ચાવી લાગવવા – કીચેઈન તરીકે અને (૩) સોગંદ ખાવાં. અને આને લીધે જ આજે યજ્ઞોપવિત ઉપેક્ષિત થતી જાય છે. रतिर्विप्रस्य सूत्रत्वे પ્રમાણે બ્રાહ્મણોનાં અધઃપતનનું મૂખ્ય કારણએ છે કે તેમનાંમાં રૂઢીઓ તો રહી, પણ જ્ઞાનજીજ્ઞાસા જતી રહી અને જનોઈને કેવણ બ્રાહ્મણત્વનાં ગૌરવ કે ઓળખાણનું એક સાધન જ બનાવી દેવાયું. यज्ञोपवीतस्योत्पत्तिं यो न जानाति वै द्विजः । स मूढो भारवाही च वृषभो नस्तिको यथा ।। निष्फलं वहते भारं यो न जानाति लक्षणम् । कर्मवाह्यो द्विजो नूनमपूज्यो लोल निन्दितः ।। ब्रह्मतत्त्वं न जानाति ब्रह्मसूत्रेण गर्वितः । तेनैव स च पापेन विप्रः पशु उपाहृतः શાસ્ત્ર આવાં બ્રાહ્મણોને પશુઓથી પણ હલકી શ્રેણીમાં ગણવાનો આદેશ આપે છે. જે યજ્ઞોપવિતની ઉત્પત્તિ લક્ષણ કે મહત્વ નથી જાણતાં તેઓ બળદની જેમ જનોઈનો કેવળ ભાર જ વહન કરે છે. આવાં જીજ્ઞાસારહિત બ્રાહ્મણોને નિંદ્ય ગણવા. કહેવાતાં બુદ્ધિવાદી યુગમાં કે ઉંચા આઈ.ક્યૂ નાં સમયમાં કોઈને જનોઈનાં રહસ્યો તપાસવાની જીજ્ઞાસા ન થાય તે આશ્ચર્યજનક નથી લાગતું ?
જનોઈને બ્રહ્મસૂત્ર પણ કહેવામાં આવે છે. સૂત્રના બે અર્થ પ્રચલિત છે. એક જેમાં જ્ઞાન-વિજ્ઞાનના ગૂઢ રહસ્યો સ્વલ્પ અક્ષરોમાં સમાયેલા છે તે જેવાં કે ભક્તિસૂત્ર, યોગસૂત્ર, બ્રહ્મસૂત્ર વગેરે અને બીજૂ તાંતણાઓનું ગૂંથેલુ સૂત્ર. જનોઈમાં આ બન્ને અર્થ સમાયેલા છે. અત્રે સૂત્ર પ્રતિકાત્મક પણ છે અને પ્રત્યક્ષ મહત્વ પણ ધરાવે છે. જે ક્રમશઃ સમજીએ.
ઋગ્વેદમાં યજ્ઞોપવિતની આવશ્યતાનાં ત્રણ કારણો આ પ્રમાણે છે – त्रिरस्यता परमासन्ति सत्यास्यार्हा देवस्य जनि मान्यग्ने । अनंते अन्तः परिवीत आगाच्छुचिः शुक्रो अहोंरोरूचानः ।। ४-७-१ ।। સત્ય વ્યવહાર દ્વારા પરમ સત્યની સમીપ પહોંચવું – આવાં સત્યને આત્માસાત્ કરી નિર્ભિક અને દૈદિપ્યમાન જીવન જીવવું અને દિવ્ય શક્તિઓને આત્મસાત કરી બ્રહ્મેકાત્મ્યનું અનુસંધાન કરવું. ટૂંકમાં આત્મશક્તિનો વિકાસ, જ્ઞાનોપાર્જન અને બ્રહ્મને આત્મસાત્ કરવું એ યજ્ઞોપવિતનું લક્ષ્ય છે. જેનાં માટે બ્રહ્મચર્ય, નિષ્ઠા અને તપની જરૂર પડે છે. માટે જ જનોઈ વખતે બટૂકને મેખલાં મૌજીબંધન પણ કરવાંમા આવે છે. કુમારાવસ્થામાં જ આ સંસ્કાર થાય છે. કુમાર એટલે કુત્સિત્ મારઃ – મુગ્ધાવસ્થા જ્યાં કામ પોતાનું પ્રબળત્વ જમાવે, તેવી ઉંમર અને જો આ સમયે કામ પર સંયમ ન થાય તો, અનંત શક્તિ આત્મસાત ન કરી શકાય. તેથી બ્રહ્મચર્યનો પ્રથમ ઉપદેશ મેખલાં બંધનદ્વારા કરવામાં આવે છે. ટૂંકમાં स ओतः प्रोतश्च विभूः प्रजासु – यजुर्वेद અને येन भूताव्यशेषेण द्रक्ष्यस्यात्मन्यथो मयि કાળની પ્રતિ ક્ષણમાં અને બ્રહ્માંડની પ્રતિ કણમાં વ્યાપ્ત બ્રહ્મને આત્મસાત્ કરવાંનો સંનિષ્ઠ સંકલ્પ એટલે ઉપનયન સંસ્કાર.
યજ્ઞોપવિતમાં યજ્ઞ અને ઉપવીત એમ બે શબ્દ સંધિગત છે. જેમાં યજ્ઞ એટલે સ્વયં વિષ્ણુ – જેમાંથી અનેક બ્રહ્માંડોની રચના થઈ તે મહાશક્તિ (આ વાત યજ્ઞમિમાંસા વાળા લેખમાં સવિસ્તર વૈજ્ઞાનિક અભિગમ સાથે સમજીવેલ છે જે ૧૯૯૭માં એક પુસ્તિકારૂપે પ્રકાશિત થયેલ) અને ઉપવીત - આવી શક્તિને જેના દ્વારા પ્રાપ્ત કરી શકાય તેવું દિવ્ય સૂત્ર. यज्ञेन यज्ञस्य यज्ञाय यज्ञाद्वा उपवीतं यज्ञोपवीतं – आर्यज्ञान प्रतिज्ञासुत्रम् – सूचनाद्वेष्टनाद्वा सूत्रं । वैदिक धर्माय वेष्टितं वा तदर्थचिन्हम् ।। યજ્ઞથી, યજ્ઞદ્વારા, યજ્ઞમાટે યજ્ઞની(બ્રહ્મની) નજીક જેના દ્વારા જઈ શકાય તેવું સૂત્ર. પરમ સત્યની સમીપ લઈ જતું સૂત્ર. સ્મૃતિકારો લખે છે. यज्ञाख्यः परमात्मा य उच्यते चैव होतृभिः । उपवीतं ततोस्येदं तस्माद्यज्ञोपवीतकम् ।। सूचनाद्ब्रह्मतत्वस्य वेदतत्वस्य सूचनाद् । तत्त्सूत्रमुपवीतत्वाद् ब्रह्मसूत्रमिति स्मृतम् ।। ટૂંકમાં આ સૂત્ર બ્રહ્મવિદ્યા અને વેદદ્વારા પરમાત્માનું સૂચન કરતું હોવાથી તેને બ્રહ્મસૂત્ર કહેવાય.
येन सर्वमिदं प्रोक्तं सूत्रे मणि गणा ईव । तत्सूत्रं धारयेद्योगी योगतत्त्वं च दर्शिवान् ।। धारणात्तस्य सूत्रस्य नोच्छिष्टो न शुचिर्भवेत् । सूत्रमन्तर्गतं येषां ज्ञान यज्ञोपवीतिनाम् ।। ब्रह्मोपनिषद् ।। જેનાં ધારણ કરવાથી યોગ અને બ્રહ્મ બન્ને સહજસાધ્ય - આત્મસાત્ થાય છે તે સૂત્ર.
હવે જ્યારે સૂત્રની વાત કરીએ ત્યારે સૂત્ર અનેક તાંતણાઓમાંથી બનેલું હોય અને જ્ઞાન પણ સૂત્રાત્મક હોય. તેના એક સૂત્રમાંથી સ્વતંત્ર ગ્રંથો બની શકે, તેવાં ગૂઢાર્થ સમાહિત હોય છે. આવું બ્રહ્મસૂત્ર ચોક્કસ માપનું અને તંતુઓનું બનેલું હોય છે. તેની રચનાની સાથે બ્રહ્મસૂત્ર કે યજ્ઞોપવીત વિષે વધુ જ્ઞાન પ્રાપ્ત થશે.
આપણાં વેદો અતિ પ્રાચીન અને અપૌરૂષેય છે. તેની રચના સ્વયં પરમાત્મા દ્વારા જ થઈ છે, જે ઘણી બધી જગાએ સિદ્ધ થયેલું સનાતન સત્ય છે. અને આ વેદોમાં જ્ઞાન-ઉપાસના અને કર્મને લગતાં ઘણાં મંત્રો છે. મંત્રોમાં અનંત શક્તિ છે, જે દિવ્ય શક્તિ, જે મંત્રમાં પ્રતિપાદિત થતી હોય, તેનાં દેવતા, એ મંત્રનાં દેવતા કહેવાય. વળી આ શક્તિ તો અનંતકાળથી હતી જ પરંતુ તે સત્યને આત્મસાત્ જે ઋષિએ કરી તેઓ, તે મંત્રના દૃષ્ટા-ઋષિ કહેવાયાં અને તે મંત્રોનાં અક્ષરો અને બોલવાની પદ્ધતિને આધારે તેનાં છંદ નક્કી થયાં. આમ પ્રત્યેક મંત્રમાં ત્રણ મહત્વની બાબતો હોય (૧) ઋષિ (૨) છંદ અને (૩) દેવતા. જેવી રીતે ન્યૂટનનાં ગુરૂત્વાકર્ષણનાં સિદ્ધાંત પહેલાં પણ પાકેલાં ફળ વૃક્ષ ઉપરથી નીચે જ પડતાં હતાં અતઃ ગુરૂત્વાકર્ષણ તો હતું જ. પરંતુ આ સત્યને આત્મસાત્ કરનાર ઋષિ ન્યૂટન કહેવાયા અને આ શક્તિને ગુરૂત્વાકર્ષણ કહવાયું.
વળી મંત્રો વર્ણોનાં બનેલા હોય છે. અને પ્રત્યેક વર્ણની નિયત શક્તિ અને દેવતા હોય છે. કુલ ૫૧ અક્ષરોમાંથી જ ચાર વેદ, ચાર ઉપવેદ, અઢાર પુરાણ, ઉપપુરાણ, ઈતિહાસ, સ્મૃતિ, દર્શન, ન્યાય, મિમાંસા, જ્યોતિષ આદિ અનેક વાઙ્મય બન્યું છે આજ અક્ષરોનાં સંયોજનથી સૂત્રો અને મંત્રો બન્યા છે. શાસ્ત્રમાં પણ કહ્યુ છે अकारादि क्षकारान्ता मातृकावर्ण रूपिणः. આવાં મંત્રોના ઉચ્ચારણથી નીયત સ્પંદનો થાય છે જે દિવ્ય ઊર્જાનાં શ્રોત છે. મંત્રોનાં ઉચ્ચારણ અને ચિંતનથી સર્જાતા સ્પંદનો દ્વારા આંતર્સ્ફોટ અને બાહ્યતરંગો સર્જાય છે. આજ સત્ય મહાન વૈજ્ઞાનિક ન્યૂટને પણ સ્વકાર્યુ અને કહ્યું કે આ સમગ્ર બ્રહ્માણ્ડોની ઉત્પત્તિનું કારણ મહા સ્પન્દનો જ છે. Earth is cause of high vibrations. આવાં દિવ્ય મંત્રોનાં અભ્યાસનો પ્રારંભ – વૈદિક શિક્ષાની દિક્ષા એટલે યજ્ઞોપવીત સંસ્કાર. આવું દિવ્ય જ્ઞાન કેવળ ભૌતિક પરબળોથી જ પ્રાપ્ત ન થાય, તેમાં પરમાત્માનો અનુગ્રહ અત્યાવશ્યક બને છે. ગીતામાં આ વાત મોક્ષ સંન્યાસ યોગમાં અતિ સુંદરરીતે સમજાવી છે. अधिष्ठानं तथा कर्ता करणं च पृथग्विधम् । विविधाश्च पृथक्चेष्टा दैवं चैवात्र पञ्चमम् ॥ એટલે કે ખેતી કરવાં માટે જમીનની જરૂર પડે. જમીન વગર ખેતી ન થાય. આ સિવાય ખેડૂત પણ હોવો જોઈએ. લેખક કે ડૉક્ટરથી ખેતી ન થાય. ખેતીનાં સાધનો જેવાકે ટ્રેક્ટર, પાણી, બિયારણ, ખાતર વગેરે પણ જોઈએ તેનાં સિવાય પણ ખેતી ન થાય, તો વળી ખેતી વિષયક જ્ઞાન પણ હોવું જોઈએ. કંઈ જમીનમાં શુ પાકે? ક્યારે ઘઉંનું કે બાજરીનું વાવેતર થાય ? ક્યારે, કેવું અને કેટલું ખાતર નાંખવું ? વગેરે વગેરે. એ વિધિવિધાનનું જ્ઞાન પણ એટલું જ મહત્વનું છે. પરંતું આ બધાથી પણ વધું પ્રકૃતિની કૃપા જરૂરી છે. ઉપરોક્ત બધું જ હોય પણ વરસાદ ન થાય તો, સુનામી આવી જાય તો, વાવાઝોડા આવે તો, તીડ પડી જાય તો, ધરતી કંપ જેવાં તોફાનો આવે તો નિષ્ફળતા જ મળે. આમ પરમાત્માની કૃપા એ, એક મહત્વનુ પરિબળ બની જાય છે.
આગળ જોયું તેમ મંત્રોનાં દેવતાઓની ગર્ભિત શક્તિ હોય છે. આવાં વેદ-વેદાન્તનાં દિવ્ય રહસ્યો અને જ્ઞાન આત્મસાત થાય, તે માટે ગુરૂનાં મન સાથે તાદાત્મ્ય સંધાય અને વેદાદિ મંત્રોનાં દેવતાઓની કૃપા દ્વારા અગોચર શક્તિનું આપણાંમાં જાગરણ થાય તે જરૂરી છે. તો આ દેવતાઓ કઈ રીતે પ્રગટ થઈ આપણાં ઉદાત્ત મનોરથને પરિપૂર્ણ કરે છે તે એક સામાન્ય ઉદાહરણ દ્વારા સમજીએ.
રિઝર્વ બેંક નાણું છાપે ત્યારે કાગળ જોઈએ. તે કાગણ ઉપર પ્રીન્ટીંગ થાય અને પછી તેના પર ગવર્નરની મહોર- સહી થાય એટલે એ કાગળ એક હજારની કિંમત ધરાવતો થાય. આમ એક હજારનાં મૂલ્યની શક્તિને ધારણ કરવાં કાગળરૂપી દેહની જરૂર પડે છે. અગ્નિ સર્વવ્યાપક છે છતાં અંધકારને દૂર અગ્નિદેવની જરૂર પડે છે. અગ્નિને પ્રગટ કરવાં દીવો કરવો પડે છે. અને આ દીવાની જ્યોતને ધારણ કરવાં સૂતરનાં તાંતણાની વાટ બનાવવી પડે છે. તેમ સુતરનાં તાંતણાના નિયત પરિમાણવાળી યજ્ઞોપવિતમાં તંતુદેવતાઓ રૂપે આવાં મંત્રોમાં રહેલ જ્યોતિર્મય દેવતાઓ પ્રગટ થઈ, પરમાત્માનું કે બ્રહ્મનું જ્ઞાન પ્રાપ્ત કરાવવા સહાયભૂત થાય છે. અને યજ્ઞોપવિતરૂપી દેહમાં સદૈવ આપણી સાથે રહે છે. એટલે યજ્ઞોપવિત એ મંત્રોનો-વર્ણોનો જ્યોતિર્મય પવિત્ર દેહ પણ ગણાય.
યજ્ઞોપવિત ની રચના - યજ્ઞોપવિતની રચનાને સમજવાથી ઉપરોક્ત વાતો સુશ્પષ્ટ થશે. યજ્ઞોપવિતમાં ત્રણ રહસ્યો અતિ મહત્વનાં છે. (૧) ત્રણ સૂત્ર અને નવ તંતુ (૨) છણ્ણું અંગૂલનું માપ (૩) ત્રણ ગ્રંથી. આ બાબતો સંક્ષેપમાં વિચારીએ.
(૧) યજ્ઞોપવિત - ત્રણ સૂત્ર અને નવ તંતુઓની બનેલી છે, જેમાં નવ તંતુ દેવતાઓનું આહ્વાહન કરવામાં આવે છે. नव प्राणान्न्वभिः संमिमीते दीर्घायुत्वाय शतशारदाय । हरिते त्रीणि रजते त्रीणि अयसि त्रीणि तपसा विष्ठितानि ।। अग्निःसूर्यश्चन्द्रमा भूमिरापोद्योन्तरिक्ष प्रदिशो दिशश्च ।। आर्तवा ऋतुभिः सविदाना अनेन मा त्रिवृता पश्यन्तु – अथर्ववेद ५. तिस्रो मात्रा मृत्युमत्यः प्रयुक्ता अनयोन्यसक्ता अनविप्रयुक्ता – प्रश्नोपनिषद् ।। यज्ञोपवीतं कुर्वीत सूत्रेण नवतान्तकम् । देवतास्तत्र वक्ष्यामि आनुपूर्वेण याः स्मृताः ।। ओंकारः प्रथमे तन्तौ द्वितीयेग्निस्तथैव च । तृतीयनागदैवत्यं चतुर्थे सोमदेवता ।। पंचमे पितृदैवत्यं षष्ठेचैव प्रजापतिः । सप्तमे मारूतश्तैव अष्टमे सूर्यमेव च ।। सर्वेदेवाश्च नवम इत्येतास्तंतु देवता ।। साम.छानेदोग्य सूत्र ।। प्रथम दौरके ऋग्वेदः यजुर्वेद द्वितीयके । तृतीये सामवेदश्च सूत्र संधौ अथर्वणः ।। ત્રણ-ત્રણ સૂત્રનો એક એવાં નવતંતુઓની યજ્ઞોપવિતમાં ત્રિરાવૃત્ત ત્રિગુણ (સત્વ-રજ-તમ) થી પ્રવૃત્ત સમસ્ત સમષ્ટિની બ્રહ્મ-વિષ્ણુ-રૂદ્રાત્મક શક્તિઓનું આહ્વાહન થાય છે. ત્રણે દોરાંમાં વેદત્રયી ઋગ્યજુર્સામ અને ત્રણેનાં સાંધામાં અથર્વવેદ – વેદભગવાન સૂત્રદેહથી પ્રગટ થાય છે. જેમ દ્રૌપદીનાં ચીરહરણ પ્રસંગે ભગવાન વસ્ત્રાવતારરૂપે પ્રગટ થયા હતા તેમ. નવ તંતુઓમાં ઓમકાર-બ્રહ્મ, અગ્નિ-તેજ, અનન્ત-ધૈર્ય, ચન્દ્ર-શીતલતા-સૌમ્યતા, પિતૃઓ-સ્નેહ-વાત્સલ્ય, પ્રજાપતિ-પાલન-પોષણ, વાયુ-સ્વચ્છતા-વહન-ગતિશીતલા, સૂર્ય-આત્મતત્વ-પ્રતાપ અને વિશ્વેદેવતા-સમદર્શન રૂપે વિદ્યમાન થાય છે.
(૨) છણ્ણું અંગુલાત્મક – જનોઈ ની લંબાઈ છણ્ણું આંગળ હોવી જોઈએ. અહીં પરિમાણ અંગૂલાત્મક આપ્યુ કારણ वेदाः पर्वसु तिष्ठन्ति वेदः पर्वसु गीयते । संहितांगूलि मूलके ।। જ્યારે વેદનાં સ્વર લેવાય છે ત્યારે વેદો આંગળીનાં પર્વમાં પ્રતિષ્ઠિત છે. અને સસ્વર વેદ અંગૂલી દર્શન દ્વારા સાકૃત થાય છે. चतुर्वेदेषु गायत्री चतुर्विशतिकाक्षरी । तस्माच्चतुर्गुणं कृत्वा ब्रह्मतंतुमदीरयेत् ।। तिथिर्वारनक्षत्रं च तत्त्ववेदगुणान्वितम् । कालत्रयं च मासांश्च ब्रह्मसूत्रं हि पण्विधम् ।। सामवेदीय छान्दोग्य सूत्र । અર્થાત્ વેદનો અતિ પ્રતિષ્ઠાવાન મૂલ મંત્ર ગાયત્રી. જેનાં ચોવીસ અક્ષરો થાય છે. આ મંત્ર ચારે વેદોમાં પ્રતિષ્ઠિત છે. આ મહાન મંત્રનાં પ્રત્યેક વર્ણ પરમાત્માનાં દિવ્ય પ્રકાશમય શરીર છે. તેથી ચોવીસ ગુણ્યા ચાર બરાબર છણ્ણું દેવતા થાય अंगूलात्मको देव અને આવાં અગૂલાત્મક – અંગૂષ્ઠાત્મક છણ્ણું દેવતાનાં દિવ્ય શરીર જેમાં પ્રકાશિત થાય છે તે યજ્ઞોપવિત. તિથિ (૧૫) વાર (૭) નક્ષત્ર (૨૭), તત્વ (૨૫) વેદ (૪) ગુણ (૩) કાળ (૩) અને માસ (૧૨) મળી ૯૬ તત્વનાં દેવતાઓ અત્રે પ્રતિષ્ઠિત છે. તો કેટલાંક વિદ્વાનોનાં મતે ૫-મહાભૂત, ૫ તન્માત્રા, ૫-જ્ઞાનેન્દ્રિય, ૫-કર્મેન્દ્રિય, ૪-અંતઃકરણ, ૫-પ્રાણ, ૪-અવસ્થા, ૩-દેહ, ૬-ભાવ, ૬-ઊર્મી, ૫-કોષ, ૬-રિપુ, ૯-વિષય, ૧૪-દેવતા, ૪-વ્યવહાર, ૩-કાળ, ૩-ગુણ અને ૩-કર્મ મળી ૯૬ પદાર્થોનાં દેવતા પ્રતિષ્ઠિત છે. અન્યત્ર લંક્ષં તુ વેદાશ્ચત્વારઃ એક લાખ વેદનાં મંત્રો છે તેમાં સામાન્ય વ્યવહારને લગતા એંસીહજાર મંત્રો છે. સોળ હજાર ઉપાસનાકાંડને લગતાં મંત્રો છે બાકીનાં ચાર હજાર જ્ઞાનકાંડને લગતાં મંત્રો છે જે સન્યાસ કે વિરક્તિમાં આત્મસાત્ થાય તેનાં માટે શિખાસૂત્રની જરૂર નથી, પરંતુ બાકીનાં મંત્રોની સંખ્યા છણ્ણું હજારની છે.
(૩) ત્રણ ગ્રંથી – આ ત્રણ ગ્રંથીનાં દેવતાઓ છે બ્રહ્મ-વિષ્ણુ-રૂદ્ર અને તેમની શક્તિઓ છે સૃષ્ટિસ્થિતિસંહાર. આપણાં પાસે ત્રણ શરીર છે. સ્થૂલ શરીર – હાડ-માંસ-મજ્જા-ત્વચા-રક્તાવાળું પાંચભૌતિક શરીર. બીજું સૂક્ષ્મ શરીર જેમાં જ્ઞાનેન્દ્રિય, કર્મેન્દ્રિય, અંતઃકરણ ચતુષ્ટયાદિ રહેલા છે. અને ત્રીજું કારણ શરીર અથવા વાસનામય દેહ – પૂર્વનાં સંસ્કાર અને કર્મવાસના જેના કારણે જન્મ અને યોનિ પ્રાપ્ત થઈ છે. (આ વાત મૂર્તિપૂજાનું રહસ્ય અને પંચદેવોપાસના નામની ૧૯૯૮માં પ્રકાશિત થયેલી મારી લઘુ પુસ્તિકામાં સવિસ્તૃત ઉદાહરણ સાથે સમજાવેલ છે. જેમાં શ્રીચક્ર અને પંચીકરણનું એક પરિષ્ટ જોડેલું હતું). બ્રહ્માન્વેષણમાં અવરોધક ત્રણ પ્રકારનાં મલ આડે આવે છે. આ છે (૧) આવણમલ – જે સ્થૂલદેહને દુષિત કરે છે. જે આત્મતત્વ ની વિચારણા થી આ મલ દૂર થાય છે.(૨) માયિકમલ – જે સ્થૂલદેહને ચલાયમાન કરે છે અને વિદ્યાતત્વ-સદ્વિદ્યાનાં ચિંતન મનન દ્વારા તેની નિવૃત્તિ થાય છે (૩) કાર્મિકમલ – આ કારણ શરીર અથવા વાસનામય પૂર્વનાં સંસ્કારો દ્વારા અવરોધ કરે છે – જેની શિવતત્વ-શ્રદ્ધાયુક્ત ઉપાસના દ્વારા તેને દૂર કરી શકાય છે. આ ત્રણે અવરોધો ગ્રંથીરૂપે અવરોધક બને છે. યોગ અને તંત્રમાં ગ્રંથિભેદનની વાત ખૂબ સૂક્ષ્મરૂપે સમજાવેલ છે. યજ્ઞોપવિતની ત્રણ ગ્રંથીનાં દેવતાઓ આ દિવ્યવિજ્ઞાનનો જ એક ભાગ છે. આયુર્વેદ અને ચરકમાં પણ આ વિષયની ચર્ચા મળે છે.
યજ્ઞોપવિત ના નિયમ – સામાન્ય રીતે યજ્ઞોપવિત સંસ્કાર ત્રણ વર્ણમાં પ્રચલિત છે. બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય. અને ત્રણેને આ સંસ્કારનો સમય તેમની જીવનશૈલી અને કુળ પરંપરાગત મનોવૃત્તિને ધ્યાનમાં લઈ અલગ અલગ છે. गर्भाष्टब्दे कुर्वीत, ब्राह्मणोस्योपनायनम् । गर्भादेकादशेद्राज्ञो गर्भात्तु द्वादशे विशः ।। સામાન્ય રીતે બ્રાહ્મણને આઠ વર્ષે, ક્ષત્રિયને અગિયાર વર્ષે તથા વૈશ્યને બાર વર્ષે ઉપનયન સંસ્કાર કરવા જોઈએ.
આજકાલ કળિયુગમાં યોગ-કથા-જ્ઞાનની મંડીમાં દુકાન માંડીને અસંખ્ય ભગવાધારીઓ બેસી ગયા છે. મિડીયા અને સેલ્સ-કમીશન-એજન્ટો દ્વારા કરોડોની સંપત્તિનાં માલિક થઈ બેઠા છે. અને શાસ્ત્રોનાં અભ્યાસ વગર આડેધડ વેદવિજ્ઞાનનાં મનસ્વીરીતે પ્રવચનો કરી, આમ જનતાની પરસેવાની કમાઈને તેમના આશ્રમરૂપી અડ્ડાઓમાં ઐયાશી કરવા પાખંડ આચરે છે. ગમે તેને, ગમે ત્યારે અને ગમે તેમ વેદ મંત્રો ગવડાવે છે. તેમને વશિષ્ઠ અત્રિ કે વિશ્વામિત્રની વાતોમાં રસ નથી. अदिक्षिता ये कुर्वन्ति जपयज्ञ क्रियादिका...आर्षत्वात्साधु.. गुरूम्बीना वृथो मंत्र.. वेदो नारायणो साक्षादपौरूषेयः જેવાં અસંખ્ય શ્રુતિ-સ્મૃતિ પ્રમાણોને ક્યાંક તો તેઓ સમજી નથી શકતા અથવા ગોળીને પી ગયા છે. આમને પ્રજાના કલ્યાણમાં કોઈ રસ નથી. તેમનાં જીવનમાં તપ અને સંયમ પણ નથી. ક્યારેય એસી ગાડી વગર ફરતા નથી કે તાપ તડકો સહતા નથી. પવિત્રતાનું તો નામોનિશાન પણ ન હોય અને પાખંડનાં વસ્ત્રો પર સફેદ કે ભગવા રંગ ચડાવે છે. આવાં અરબો ખરબોની સંપત્તિવાળા પાખંડીઓનું જીવન પવિત્ર હોઈ જ ન શકે, કારણ અન્ન તેવો ઓડકાર. आहार शुद्धौ सत्त्वशुद्धि જેમનાં ચરણોમાં કાળાનાણાનાં ઢગલાં થતા હોય તેમનાં મન કે ચરિત્ર પવિત્ર ક્યાંથી હોઈ શકે. આવાં ધૂર્ત-પાખંડી લોકો માટે તક મળતા હું ક્યારે પણ લખવાનું ચૂકતો નથી કારણ કે તેઓ અનુકરણશીલ મનિષાયુક્ત સામાન્ય માણસોને તેમનાં ક્ષુલ્લક સ્વાર્થમાટે પદભ્રષ્ટ કરે છે અને લૂંટે છે. મારી વેબ સાઈટ પર તથા http://gudhharth.blogspot.com/ બ્લોગ પર આવાં (તક) સાધુઓ માટે ઘણું ઘણું લખું છું અને તે દ્વારા સનાતન વૈદિક સંસ્કૃતિની સંરક્ષા કર્યાનો સંતોષ અનુભવું છુ. આવાં નાના નાના સંપ્રદાયો ભારત માટે આતંકવાદથી પણ વધુ ખતરનાક સાબિત થશે. ખેર.. વિષયાન્તર નથી કરવું. પૂ.શ્રી તુલસીદાસજીએ बहुदाम सँवारहिं धाम जति । विषया हरि लीन्हि न रहि बिरती । तपसी धनवंत दरिद्र गृही । कलि कौतुक तात न जात कहीं । धनवंत कुलीन मलीन अपी । द्विज चिन्ह जनेउ उघार तपी । नाहि मान पुरान न बेदही जो । हरि सेवक संत सही कलि सो । कलिमल ग्रसे धर्म सब लुप्त भए सद्ग्रंथ । दंभिन्ह निज मति कल्पि करि प्रकट किए बहु पंथ । કળિયુગમા અરબો-ખરોબોની સંપત્તિનાં માલિક-ટ્રસ્ટી સંતોની અછત નહીં હોય. વેદ-પુરાણ-શાસ્ત્રાદિમાં રસ નહી હોય પરંતું કેવળ તેમની વાક્પટુતાથી રોજ નવાં નવાં સંપ્રદાયો બનતા જશે. ભારતમાં ભૂખી જનતાને જ્યારે ખાવાં પર્યાપ્ત અન્ન ન હોય ત્યારે આ સંતો આલીશાન એસી મઠોમાં કરોડોની સંપત્તિનાં માલિક બની ઐયાશી કરે તે શું ઉચિત લાગે છે. આજનાં ભ્રષ્ટરાજકારણીઓ, આતંકવાદીઓ અને આવાં સંતોમાં કોઈ જ ફરક નથી. આવાં પાખંડીઓને ખુલ્લા પાડવાં કટિબદ્ધ થવું એ પણ એક રાષ્ટ્ર અને સંસ્કૃતિની સેવા જ છે.
नाभिव्याहारयेद् ब्रह्म स्वाधानि नयनाट्टते । शूद्रेण हि समस्तावद्यावद्वेदे न जायते ।। सदोपवीतिना भाव्य सदा बद्धशिखेन च । बौधायन ।। જનોઈ દીધા પહેલાં બ્રાહ્મણનાં બાળકે પણ વેદપાઠ ન કરવો. આજતો કે.જી. સ્કૂલોમાં, વાસ્તુ કે બેસણામાં પણ ગાયત્રી મંત્ર ગવાય. અને તે પણ સંગીતમય રીતે કેસેટોમાં વેચાય. આ મંત્રની ગરિમાને કે પવિત્રતાને કોણ સમજશે ? આવાં પવિત્ર મંત્રને ભાજીમૂળાં જેવો સાવ સામાન્ય બનાવી દેવાયો છે. આ મંત્રની દિક્ષામાટે યજ્ઞોપવિત સંસ્કાર આપવામાં આવે છે. ત્યારે વશિષ્ટ કે વિશ્વામિત્ર જેવાં ઋષિઓના આદેશ કે વચનોને અવગણી શાળાની પ્રાર્થનામાં નાના ભૂલકાઓ આ મંત્રની શક્તિ જાણ્યા વગર અનાધિકાર હોવા છતાં સ્વચ્છન્દતાથી બોલે. ભગવાન શિવજી પાર્વતીને કહે છે अदिक्षिता ये कुर्वन्ति जपयज्ञादिका क्रिया सर्वं नष्फलतां यान्ति शीलायामुप्तबीज वत् અર્થાત્ વેદાદિ દિવ્ય મંત્રોનો વેદદિક્ષા-યજ્ઞોપવિત સંસ્કાર વગર જપાદિ ન કરવાં. શ્રીવશિષ્ઠજી પણ ભગવાન રામજીને કહે છે કે गुरूम्बीना वृथो मंत्रः ગુરૂ-દિક્ષા વિનાનો મંત્ર વ્યર્થ છે. વેદ તેનાં છન્દ અને પરિપાટી પ્રમાણે જ બોલાવવો જોઈએ. જનોઈ અને બદ્ધ શિખા સદૈવ હોવા જોઈએ. સંધ્યા અને શિખાનું વૈજ્ઞાનિક મહત્વ સમજવા યજ્ઞોપવિત અને સંધ્યાનું રહસ્ય વાંચી લેવી.
मूत्रेतु दक्षिणेकर्णे पुरिषे वाम कर्णिके । उपवीतं सदाधार्यं मैथुने तूपवीतितम् ।। आन्हिक ।। મળમૂત્રના ત્યાગ વખતે કાન પર ચડાવવી. આની પાછળ પણ યૌગિક અને આયુર્વેદિક રહસ્ય છે જે પૂર્વ પુસ્તકમાં પ્રકાશિત હતી અત્રે તેનો અવકાશ નથી. છતાંય ટૂંકમાં કહી શકાય કે आदित्यो वसवो रूद्रा वायुरग्निश्च धर्मराट् । विप्रस्य दक्षिणे कर्णे नित्यं तिष्ठन्ति देवता ।। शांखायन।। બ્રાહ્મણનો કાન પવિત્ર છે.
सूतके मृतके क्षौरे चाण्डाल स्पर्शने तथा । यज्ञसूत्र नवीनस्य धारणं प्रविधीयते ।। रजस्वला शवस्पर्शे म्लेच्छादीनं तथैव च ।। नारायण संग्रह ।। संप्राप्ते श्रावणस्यान्ते पौर्णिमास्यां दिनोदये । स्नानं कुर्वीतमतिमान्, श्रुतिस्मृति विधानतः ।। आन्हिक ।। મરણાશોચ, ચાંડાલ સ્પર્શાદિ કે શવ અને રજસ્વલા મ્લેચ્છાદિનાં સ્પર્શ પછી જનોઈ બદલવી. દર ચાર મહિને અથવા દર ચાર મહિને અથવા પ્રતિવર્ષ શ્રાવણપૂર્ણિમાને દિવસે ઉપાકર્મ કરી નૂતન યજ્ઞોપવિત ધારણ કરવી.
ब्रह्मचारीणं एकं स्यात् स्नातस्य द्वे बहनिता ।। आह्निक ।।यज्ञोपवीतं द्वे धार्ये श्रौते स्मार्ते च कर्मणि । तृतीयमुत्तरीयार्थे वस्त्राभावे तदिष्यते ।। हेमाद्रि ।। બ્રહ્મચારીને એક સ્નાતકને બે જનોઈ ધારણ કરવી. હંમેશા શ્રૌત-સ્માર્ત કર્મોમાં બે જનોઈ પહેરવી જોઈએ અને જો ઉપવસ્ત્ર ન હોય તો ત્રણ પહેરવી જોઈએ.
पृष्टवंशे च नाभ्याश्च धृतं यद्विन्दते कटिम् । तद्धार्यमुपवीतं स्यान्नातिलम्ब चोच्छृतम् ।। कात्यायन स्मृति ।। જનોઈ ખભા-નાભી અને પીઠ ને સ્પર્શ કરતી હોય તેટલી જ જોઈએ. તેનાથી વધુ મોટી કે નાની ધારણ ન કરવી. અને ઉપનયન સંસ્કાર પછી નિયમિત સંધ્યાવંદન કરવાં કારણ संध्यां नोपासते विप्राःकथं ते ब्राह्मणाःस्मृताः સન્ધ્યોપાસના નહીં કરનારાં બ્રાહ્મણ હોઈ જ ન શકે.
ઉપસંહાર – પ્રાચીન ઋષિઓ ઉપરાંત અર્વાચીન ભગવાન્ આદ્યશંકરાચાર્ય, ડૉ.રાધાકૃષ્ણન, શ્રી લોકમાન્ય તિલક જેવાં મૂર્ધન્ય વિદ્વાનોએ પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે આ સત્યોને તેમની વિદ્વત્તાસભર શૈલીમાં સમજાવ્યા છે. ઓરાયન-વેદકાળ નિર્ણયમાં શ્રી લોકમાન્ય તિલકે બતાવ્યુ છે કે પ્રજાપતિ, એ સૃષ્ટિનાં સર્જનહારનો વિરાટ દેહ છે, જેના ઉપરનોં ભાગ ખગોળ છે. જેમાં યજ્ઞોપવિતની જેમ આકાશગંગા વિદ્યમાન છે અને તેનાં દ્વારા પિંડ થી બ્રહ્માંડનું જ્ઞાન થાય છે અને જીવત્વથી શરૂ થયેલી યાત્રા શિવત્વમાં વિરમિત થાય છે.
પારસીઓમાં પણ फ्राते मजदाओ बरत् पौरवनीम् एयाओं धनिमस्ते हर पाये संर्घम मैन्युस्तेम् बंधु हिम् वेनीम् मज्दवास्नाम् – जन्दे अव. ३.२३८ આ સંસ્કાર થોડા પરિવર્તનથી વિદ્યમાન છે. મુસ્લિમો હજયાત્રામાં ગળામાં સફેદ વસ્ત્ર પહેરે છે. પ્રોટસ્ટન્ટ પાદરીઓ કમરમાં સૂતરનો દુપટ્ટો બાંધે છે. શ્રી નાનક સાહેબ કહે છે અસવિધ શ્રી નાનક ગતિદાની, ઉપદેશનકી ઉચરત બાની. વદનવદન વિપ્રન વરિઆઈ, યજ્ઞોપવીત દિયો પહરાઈ. આમ પ્રત્યક્ષ કે પરોક્ષરૂપે એક યા બીજા રૂપથી તે સર્વત્ર સ્વીકાર્ય છે.
आचार्यात्पादमादत्ते पादं शिष्यस्वमेधया । पादं सब्रह्मचारिभ्यः पादं कालक्रमेण च।। सुखार्थी चेत् त्यजेद्विद्यां विद्यार्थी चेत् त्यजेत् सुखम् । ઘણાં સત્યો તત્કાળ ન સમજાય. કેટલાંક કાળે કરી સમજાય, કેટલાંક સહાધ્યાયીઓનાં પાસે બેસવાથી, તો કેટલાંક બૌદ્ધિક પરિપક્વતા પ્રાપ્ત થતાં સમજાય. વિમાનની શોધ થયા પહેલાં તે માત્ર કલ્પનાં લાગતું હતું પરંતુ તેની શોધ થયા પછી તેમ નથી લાગતું. ટૂંકમા શ્રદ્ધાકા સવાલ હૈ પુરાવોં કી જરૂરત નહીં, યૂં તો પૂરે કુરાનમેં ખૂદા કે દસ્તખત નહીં. ગીતા પણ કહે છે. શ્રદ્ધાવાન્ પ્રાપ્સ્યતે સર્વં સંશયાત્મા વિનશ્યતિ.
આ જ લેખ ૧૯૯૧માં ઔદિય્ચ બ્રહ્મસમાજ આયોજીત સમૂહ યજ્ઞોપવિત વેળાએ યજ્ઞોપવિત અને સંધ્યાનું રહસ્ય નાં મથાળાથી એક લઘુપુસ્તિકા રૂપે પ્રકાશિત કરેલ જેમાં પ.પૂ. બ્રહ્મલીન શ્રી કૃષ્ણશંકર દાદાની પ્રશસ્તિ અને આશિર્વાદ પ્રાપ્ત થયા હતાં. આજે પુનઃ સમસ્ત બ્રહ્મસમાજ મહિલા પાંખ, આદિપુર આયોજીત સમૂહ યજ્ઞોપવિત જેવાં પુનિત પ્રસંગે તેનું પુનર્મુદ્રણ કરી, આ ભગીરથ કાર્મમાં મારૂં ભાવસુમન સમર્પિત કરતાં ધન્યતા અનુભવું છું. એક બ્રાહ્મણ પાસે વિચારો કે દિગ્દર્શનથી વધુ સારૂં આપવા યોગ્ય શું હોઈ શકે ? આ લેખનાં અંતમાં સંક્ષિપ્ત સંધ્યોપસન છાપેલ છે, જેનાં નિત્ય અભ્યાસથી આત્મશક્તિનો વિપુલ વિકાસ થશે અને કોઈ પાખંડીઓ-બાવાઓની શિબિરમાં નહીં જવું પડે, પણ તેમનાં પાપ ધોવાની શક્તિ તમારામાં અવશ્ય આવશે. જીવનમાં અસ્મિતા અને ગૌરવની વૃદ્ધિ થશે. અંતે ब्राह्मणा सन्तु निर्भयाः ની કામના સાથે મારા આ સ્વલ્પ પ્રયાસને અનુગ્રહીત કરશો, તેવી અપેક્ષા સાથે વિદ્વજ્જન ચરણરેણુ...
પંડિત પરન્તપ પ્રેમવલ્લભ શર્મા (સિદ્ધપુર)
ડી-15 ઉદયનગર, ઈફકો, ગાંધીધામ – કચ્છ.
કાત્યાયન સુત્રોક્ત લઘુસંધ્યા પ્રયોગ - શ્રી ગણેશાય નમઃ ।। દરેક બ્રાહ્મણે નિત્ય સંધ્યોપાસના કરવી જ જોઈએ. संध्यानोपासते विप्राः कथं ते ब्राह्मणाःस्मृताः।। પરમાત્મા સૂર્યનારાયણના ઉદય સાથે અવિરત શક્તિપ્રવાહ Virlic Force પૃથ્વીપર આવે છે. તે મહાશક્તિને પ્રાપ્ત કરી, આત્મિકશક્તિનો વિકાસ કરવાની પ્રક્રિયા-વિધિને સંધ્યા કહેવામાં આવે છે. બ્રાહ્મણે ચોટી રાખવી, સિવ્યા સિવાયના – ધોતી ઉપવસ્ત્ર ધારણ કરી – પંચપાત્ર લઈ સવારે 6.00 વાગ્યા સુધીમાં પૂર્વ દિશામાં મુખ રાખી નીચે પ્રમાણે સંધ્યા કરવી.
(૧) ગાયત્રી મંત્ર ભણી ચોટી બાંધવી. (૨) ડાભા હાથમાં ભસ્મ લઈ જમણાં હાથથી થોડું પાણી નાખી તેને ઘસવી અને સૂર્યનારાયણને બતાવી નીચે મુજબ લગાવવી - ओं ત્ર્યાયુખં જમદગ્નેઃ (કપાળમાં ત્રિપુંડ કરવું) ઓં કશ્યપસ્ય ત્ર્યાયુખં (કંઠ-ગળામાં) ओं જદ્દેવેખુ ત્ર્યાયુખં (બન્ને બાહુમાં) ओं તન્નોઅસ્તુ ત્ર્યાયુખમ્ (હૃદયે) (૩) પછી ત્રણ વાર બોલી આચમન કરવું ओं કેશવાય નમઃ સ્વાહા ओं નારાયણાય નમઃ સ્વાહા ओं માધવાય નમઃ સ્વાહા ओं ગોવિંદાય નમઃ (હાથ ધોઈ નાંખવા) (૪) પ્રાણાયમ - - ओं ભુઃ ओं ભુવઃ ओं સ્વઃ ओं મહઃ ओं જનઃ ओं તપઃ ओं સત્યમ્ ओं તત્સવિતુર્. (ગાયત્રી મંત્ર) – ओं આપોજ્યોતિરસોમૃતમ્ બ્રહ્મ ભુર્ભૂવઃસ્વરોમ્ થી પ્રાણાયામ કરવો. સો પ્રથમ જમણું નસકોરૂં જમણા હાથના અંગૂઠાથી દબાવી ડાભા નસકોરાથી શ્વાસ લેવો, પછી ઉપરોક્તાનુસાર ડાભુ નસકોરૂ દબાવી ફરી શ્વસ લેવો આપેલ મંત્ર બોલી પ્રાણાયામમાં એક વાર મંત્ર બોલી શ્વાસ લેવો. ચાર વખત બોલી રોકવો અને બે વખત બોલી શ્વાસ મૂકવો. (૫) ડાભા હાથમાં પાણી લઈ નીચે મુજબ જમણા હાથથી પાણી દ્વારા સ્પર્શ કરવો. ओं વાઙમાસ્તેસ્તુ (મુખે) ओं નસોર્મે પ્રાણોસ્તુ (બે નસકોરા) ओं અક્ષ્ણોર્મે ચક્ષુરસ્તુ (બે આંખે) ओं કર્ણ્યોર્મે શ્રોત્રમસ્તુ (બે કાને) ओं બાહ્વોર્મે બલમસ્તુ (બે હાથે) ओं ઊર્વોર્મે ઓજોસ્તુ (બે જંઘા) ओं અરિષ્ટાનિ મેઙ્ગાનિ તનૂસ્તન્વા મે સહ સન્તુ (પૂરા શરીરે) (૬) હાથમાં જળ લઈ સંકલ્પ કરવો. ओं અત્રાદ્ય મહામાગલ્યપ્રદે માસોત્તમેમાસે....... માસે .........પક્ષે .......... તિથૌ.........વાસરે ઓં તત્સત્ શ્રી પરમેશ્વર પ્રીત્યર્થં પ્રાતઃ સંધ્યોપાસનમહં કરિષ્યે.
માસ – કાર્તિકે – માર્ગશીર્ષે – માઘ – ફાલ્ગુન – ચૈત્ર – વૈશાખે – જ્યેષ્ઠ – આષાઢે – શ્રાવણે – ભાદ્રપદે – આશ્વિને – અધિક માસે પક્ષ કૃષ્ણે – શુક્લે પક્ષે તિથિ પ્રતિપદાયાં – દ્વિતીયાયાં – તૃતીયાયાં –ચતુર્થ્યાં – પંચમ્યાં – ષષ્ઠમ્યાં – સપ્તમ્યાં – અષ્ટમ્યાં – નવમ્યાં – દશમ્યાં – એકાદશ્યાં – દ્વાદશ્યાં – ત્રયોદશ્યાં – ચતુર્દશ્યાં – પૂર્ણિમાયાં – અમાવાસ્યાયાં તિથૌ વાર ભાનુ – ચન્દ્ર – મંગલ – બુધ – ગુરૂ – શુક્ર – શની વાસરે.
(૭) પછી અર્ધ્યપાત્રમાં પાણી ચંદન પૂષ્પ મૂકી ગાયત્રીમંત્ર ભણવો અને ભગવતે બ્રહ્મસ્વરૂપિણે સવિતૃનારાયણાય ઇદં અર્ધ્યં દત્તં નમમ બોલી સૂર્યનારાયણને અર્ધ્ય આપવો. ઓછામાં ઓછાં ચાર અર્ધ્ય આપવાં. (૮) ઉપસ્થાન – સૂર્યનારાયણ સામે સ્વસ્તિકાકાર હાથ રાખી નીચેના મંત્રો ભણવાં ओं ઉદ્વયન્તમસસ્પરિસ્વઃ પશ્યન્ત ઉત્તરમ્ । દેવં દેવત્રા સૂર્જમગન્મજ્યોતિ રૂત્તમમ્મ ।। ओं ઉદુત્યન્જાતવેદસન્દવં વહન્તિ કેતવઃ । દૃશે વિશ્વાય સૂર્જમ્મ ।। ओं ચિત્રન્દેવાનામુ દગાદનીકન્ચક્ષુર્મિત્રસ્ય વરુણસ્યાગ્નેઃ આપ્રાદ્યાવા પૃથિવી અન્તરિક્ષગ્ગું સૂર્જ આત્મા જગતસ્તશ્થુખશ્ચ ।। ओं તચ્ચક્ષુર્દેવહિતં પુરસ્તાચ્છુક્ર મચ્ચરત । પશ્યેમ શરદઃ શતં જીવેમ શરદઃ શતં શ્રૃણુયામ શરદઃ શતં પ્રબ્રવામ શરદઃ શતમદીનાઃ સ્યામ શરદઃ શતં ભૂયશ્ચ શરદઃ શતાત્ ।। પછી બને તેટલા વધુ ગાયત્રી મંત્રનો જપ કરવો (ઓછામાં ઓછા 28). અભિવાદન – અમુક ગોત્રોત્પન્નોહં અમુક પ્રવરાન્વિત શુક્લયજૂર્વેદાન્તર્ગત વાજસનેયી માધ્યાંદિની શાખાધ્યાયી અમુક શર્માહં ભો આયાર્ય ત્વામભિવાદયામિ – ભો યાજ્ઞવલ્ક્ય ત્વામભિવાદયામિ - ભો વૈશ્વાનરસ્ત્વામભિવાદયામિ – ભો સૂર્યચન્દ્રમસૌ યૂયમભિવાદયામિ – ભો માતૃપિતૃ યૂયમભિવાદયામિ. દેવો – ઋષિઓ - પિતૃઓને મનથી અભિવાદન-પ્રણામ કરવાં અને હાથમાં પાણી રાખી અનેન યથા શક્તિ પ્રાતઃસંધ્યાંગભૂતં ગાયત્રી મંત્ર જપાખ્યેન કર્મણા પરબ્રહ્મસ્વરૂપી સવિતા સૂર્યનારાયણઃ પ્રીયતાં નમમ – ओं તત્સત્ બ્રહ્માર્પણમસ્તુ બોલી જળ મૂકવું. આસનને વંદન કરી અન્ય પ્રવૃત્તિમાં લાગવું. ઉપરોક્ત સંધ્યાના આઠ અંગ એ અષ્ટાંગ યોગ છે તેનાથી અષ્ટ સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે. વધુ વિગતો સંધ્યા રહસ્યમાં સવિસ્તર વૈજ્ઞાનિક અને તાર્કિકરીતે સમજાવેલ છે.
No comments:
Post a Comment